Home National પાકિસ્તાન જ્યાં પરમાણુ બોમ્બ રાખે છે તે કિરાના હિલ્સ પર ભારતે કર્યો...

પાકિસ્તાન જ્યાં પરમાણુ બોમ્બ રાખે છે તે કિરાના હિલ્સ પર ભારતે કર્યો હતો હુમલો, સેટેલાઈટ તસવીરોથી થયો ખુલાસો

Operation Sindoor: પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતે પાકિસ્તાનના આતંકવાદી છાવણીઓ પર હવાઈ હુમલા કર્યા હતા, જેના કારણે ગભરાયેલા પાકિસ્તાને મિસાઇલો અને ડ્રોનથી ભારત પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના તમામ હુમલા નિષ્ફળ ગયા હતા.

ભારતની જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાનને ભારે નુકસાન થયું હતું અને પાકિસ્તાની વાયુસેનાના અનેક એરબેઝનો ખાતમો બોલાવવામાં આવ્યો હતો.દરમિયાન સેટેલાઇટ તસવીરોમાં જાણવા મળ્યું છે કે ભારતની મિસાઇલે કિરાના હિલ્સ પર પણ હુમલો કર્યો હતો. એવું કહેવાય છે કે પાડોશી દેશ અહીં પોતાના પરમાણુ શસ્ત્રો રાખે છે.

ગુગલ અર્થ સેટેલાઇટ છબીઓ સૂચવે છે કે સરગોધા જિલ્લાના કિરાના હિલ્સ પર મિસાઇલ હુમલો થયો હતો. આ તસવીરો જૂન 2025માં સેટેલાઇટ ઇમેજરી નિષ્ણાત ડેમિયન સિમોન દ્વારા જાહેર કરવામાં આવી હતી. સિમોને ગૂગલ અર્થમાંથી લેવામાં આવેલી તસવીરોનો ઉપયોગ કરીને મે મહિનામાં X પર થયેલા હુમલાની પુષ્ટિ કરવાનો દાવો કર્યો હતો.

જોકે કાર્યવાહીના થોડા દિવસો પછી ભારતીય વાયુસેનાએ સ્પષ્ટપણે ઇનકાર કર્યો કે તેમણે પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોના ભંડારને નિશાન બનાવ્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે કિરાના હિલ્સને પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમનો ખૂબ જ સુરક્ષિત અને વ્યૂહાત્મક વિસ્તાર માનવામાં આવે છે. અહીં ભૂગર્ભ ટનલ,રડાર સ્ટેશન અને પરમાણુ પરીક્ષણ સંબંધિત સુવિધાઓ છે. 1980ના દાયકામાં અહીં સબ-ક્રિટીકલ પરમાણુ પરીક્ષણો કરવામાં આવ્યા હતા.