India Pakistan Airspace Ban: ભારત સરકારે હવે પાકિસ્તાની વિમાનોના પોતાના સ્થાનિક હવાઈ ક્ષેત્ર (Air Space)માં પ્રવેશ પરનો પ્રતિબંધ 23 ઓગસ્ટ, 2025 સુધી લંબાવી દીધો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહોલેએ આ અંગે માહિતી આપી છે. સુરક્ષા કારણો અને વ્યૂહાત્મક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
પાકિસ્તાને પણ ભારતીય એરલાઇન્સ માટે તેનું હવાઈ ક્ષેત્ર બંધ કરી દીધું છે અને તાજેતરમાં તેને 24 ઓગસ્ટ સુધી લંબાવ્યું છે. આ સ્થિતિમાં ભારત દ્વારા પણ આ પ્રતિબંધ યથાવત રાખવામાં આવ્યો છે.
23-25 જુલાઈ વચ્ચે IAFનો યુદ્ધ અભ્યાસ
આ સાથે અન્ય એક મહત્વની માહિતી સામે આવી છે કે ભારતીય વાયુસેના (IAF) 23થી 25 જુલાઈ દરમિયાન રાજસ્થાન સરહદ નજીક એક મોટી યુદ્ધ કવાયત એટલે કે યુદ્ધ અભ્યાસ કરવા જઈ રહી છે. આ કવાયતમાં બાડમેરથી જોધપુર સુધીનો વિસ્તાર સામેલ કરવામાં આવશે.
આ એ જ વિસ્તાર છે જ્યાં અગાઉ ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાન દ્વારા ડ્રોન અને મિસાઇલો દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. તે સમયે બાડમેર, જેસલમેર, બિકાનેર અને શ્રીગંગાનગર જિલ્લા પાકિસ્તાન દ્વારા નિશાન બનાવવામાં આવ્યા હતા.