Home Gujarat પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી

પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી

જંતુનાશક દવાઓનો છંટકાવ કોણ કરે છે? વૃક્ષોને પાણી કોણ આપે છે? આમ છતાં ફળ આવવાના સમયે જંગલનાં વૃક્ષો ફળોથી લદાઈ જાય છે. જંગલમાં જે નિયમ કામ કરે છે, તે જ નિયમ આપણા ખેતરમાં કામ કરવો જોઈએ, તેનું જ નામ છે, “પ્રાકૃતિક ખેતી”.

પ્રાકૃતિક ખેતીમાં મુખ્ય ખેતી પાકની સાથે સહજીવી પાક ઉગાડવામાં આવે છે. આવા ખેતી પાકો એકબીજાને પોષણ આપે છે. મુખ્ય ખેતી પાકનો ઉત્પાદન ખર્ચ સહજીવી પાકના ઉત્પાદન અને આવકથી નીકળી જાય છે અને મુખ્ય પાક બોનસના રૂપમાં મળે છે,  જેનાથી ખેડૂતનો ખેતી ખર્ચ બહુ જ ઓછો થઈ જાય છે. પ્રાકૃતિક ખેતીમાં ખેતી પાકને વૃદ્ધિ માટે અને ઉત્પાદન લેવા માટે જે જે સંસાધનોની જરૂરિયાત પડે છે તે બધા ઘરમાં જ ઉપલબ્ધ થાય છે,  કોઈપણ હાલતમાં બજારમાંથી ખરીદીને લાવવા પડતા નથી. પ્રાકૃતિક ખેતીનો નારો છે કે “ગામનો પૈસો ગામમાં અને શહેરનો પૈસો પણ ગામમાં”.  આવી રીતે આપણા દેશનો પૈસો દેશમાં રહેશે, દેશનો પૈસો વિદેશ જશે નહીં પરંતુ,  વિદેશનો પૈસો દેશમાં લાવીશું, આ છે પ્રાકૃતિક ખેતી.

આપણી ભૂમિ અન્નપૂર્ણા છે. ખેતી પાકોની વૃદ્ધિ માટે જે સંસાધન જોઈએ તે તેના મૂળની પાસે જમીનમાં અને પર્ણોની પાસે વાતાવરણમાં જ પૂરતા પ્રમાણમાં હાજર હોય છે,  ઉપરથી કંઈ પણ આપવાની જરૂર રહેતી નથી. આપણા ખેતી પાકો જમીનમાંથી ફક્ત 1.5 થી 2% ખનીજ તત્વો લે છે. બાકીના 98 થી 98.5 ટકા હવા, સૂર્યપ્રકાશ અને પાણી દ્વારા લે છે. તમારે ઉપરથી કોઈપણ રાસાયણિક ખાતર અથવા ઝેરી જંતુનાશક દવાઓ નાખવાની જરૂરિયાત રહેતી નથી. જ્યારે ખેતી પાકનું 98% શરીર હવા અને પાણીથી જ બનતું હોય તો ઉપરથી કોઈપણ સંસાધન નાખવાની જરૂર જ ક્યાં ઊભી થાય છે?  કોઈપણ લીલું પાન (વૃક્ષ અથવા છોડવાનું) દિવસ આખો પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા ખોરાક પેદા કરે છે. આ પાન ખોરાક નિર્માણ કરવાનું કારખાનું છે.

  1. તે હવામાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે.
  2. તે જમીનમાંથી મૂળ દ્વારા ચોમાસાના વરસાદ અથવા કૂવા કે તળાવમાંથી આપવામાં આવેલું પાણી ઊઠાવે છે.
  3. તે સૂર્યપ્રકાશ લે છે. (પ્રતિ સ્ક્વેર ફૂટ પ્રતિ દિન 12.5 કિલો કેલેરી)

આ ત્રણેય વસ્તુઓમાંથી વનસ્પતિ ખોરાક તૈયાર કરે છે. કોઈપણ વનસ્પતિનું લીલું પાન દિવસમાં 10 કલાકના સૂર્યપ્રકાશ દરમિયાન પ્રતિ વર્ગ ફૂટ ક્ષેત્રના હિસાબે 4.5 ગ્રામ ખોરાક તૈયાર કરે છે. આ 4.50 ગ્રામ ખોરાકમાંથી 1.5 ગ્રામ દાણા અથવા 2.25 ગ્રામ ફળ કે અન્ય હેતુ માટે ઉપયોગમાં લેવા માટે ખોરાક છોડને મળી જાય છે. ખોરાક બનાવવા માટે જરૂરિયાત મુજબ હવા, પાણી અને સૌર ઊર્જા પ્રકૃતિમાંથી લે છે, જે બિલકુલ મફત મળે છે. બાકી રહેલા 1.5 થી 2 ટકા ખનીજો મૂળ દ્વારા જમીનમાંથી લે છે તે પણ કુદરતી રીતે જ વિનામૂલ્યે  મળે છે અને તે જમીનમાંથી જ મેળવી લે છે, કારણ કે તે મૂળભૂત રીતે અન્નપૂર્ણા છે. જ્યારે આ વાસ્તવિકતા છે કે, કંઈ પણ નાખ્યા વગર જંગલનાં વૃક્ષો વર્ષો વર્ષ અગણિત ફળો આપે છે, તો તેનો અર્થ એ થયો કે, તે વૃક્ષોનાં મૂળ પાસે જમીનમાં જરૂરી તમામ પોષક તત્વો પહેલાંથી જ હાજર છે. જો આ તમામ જરૂરી પોષક તત્ત્વો જમીનમાં ઉપલબ્ધ ન હોય તો વૃક્ષ, વનસ્પતિ છોડને ઉપલબ્ધ થયા હોત જ નહીં. આનો અર્થ છે કે, તમામ પ્રકારના પોષક તત્વોથી જમીન પરિપૂર્ણ છે. આપણે પોષક તત્વો નાખ્યાં નહીં તેમ છતાં મૂળને મળી ગયાં. તેનો મતલબ છે કે આ તત્વો જમીને આપ્યા. તે તમામ પોષક તત્વો જમીનમાં પહેલાંથી જ હાજર હતાં. જમીન અન્નપૂર્ણા છે, પાલનહાર છે. જમીનમાં બધા જ પ્રકારનાં તત્વો હાજર છે, ઉપરથી કંઈ પણ નાખવાની જરૂર રહેતી નથી.