Tree cover In Gujarat: નોટિફાઇડ ફોરેસ્ટ વિસ્તાર(Forest Areas In Gujarat) બહાર વૃક્ષોનું કૂલ આવરણ 241.29 ચોરસ કિમીના નોંધપાત્ર વૃદ્ધિ સાથે ગુજરાત આ ક્ષેત્રમાં દેશભરમાં અગ્રેસર રહ્યું છે, તેમ ફોરેસ્ટ સર્વે ઓફ ઈન્ડિયા (FSI) 2023ના અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરાયેલ પહેલ ‘એક પેડ મા કે નામ (Ek Ped Maa Ke Naam)’માં પણ દેશમાં ગુજરાત બીજા ક્રમાંક પર છે.
ગ્રીન કવર 10.41 ટકાથી વધી 11.03 ટકા થયું
વર્ષ 2021માં ફોરેસ્ટ કવર (Forest Cover) અને ટ્રી કવર (Tree Cover) કૂલ મળીને ટ્રી કવર 2.80 ટકા હતું, જે વર્ષ 2023માં વધીને 3.38 ટકા થયું હતું. એવી જ રીતે વર્ષ 2021માં રાજ્યનું કૂલ ગ્રીન કવર 10.41 ટકા હતું, જે વર્ષ 2023માં વધીને 11.03 ટકા થયું છે. આમ ગુજરાત હરિયાળી એટલે કે વનરાજીના વ્યાપક વિસ્તરણમાં પણ દેશભરમાં મોખરે રહ્યું છે.
ફોરેસ્ટ એરિયાનો વ્યાપ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા
અન્ય એક અહેવાલ ઈન્ડિયા સ્ટેટ ઓફ ફોરેસ્ટ રિપોર્ટ-2023 પ્રમાણે ગુજરાતમાં નોંધાયેલ ફોરેસ્ટ એરિયા 21,870 વર્ગ કિલોમીટર થયો છે, જે રાજ્યના કૂલ ભૌગોલિક વિસ્તારના 11.14 ટકા જેટલો છે. જ્યારે ફોરેસ્ટ કવર 15,016.64 વર્ગ કિમી એટલે કે 7.65 ટકા અને ટ્રી કવર 6632.29 વર્ક કિમી એટલે કે 3.38 ટકા નોંધાયો છે. આમ રાજ્યમાં કૂલ ગ્રીન કવર 21,648 વર્ગ કિમી એટલે કે 11.03 ટકા છે.
ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત બીજા સ્થાને
‘એક પેડ મા કે નામ’ અભિયાન અંતર્ગત ગુજરાત દેશભરમાં ઉત્તર પ્રદેશ બાદ બીજા ક્રમાંક પર છે. રાજ્યમાં વિક્રમજનક 17.48 કરોડ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. વર્ષ 2025 દરમિયન આ અભિયાન ચાલી રહ્યું છે.