Home Gujarat PM નરેન્દ્ર મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ...

PM નરેન્દ્ર મોદીએ પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લીધી – સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓને મળ્યા

અમદાવાદ પ્લેનક્રેશ દુર્ઘટનાથી આખો દેશ સ્તબ્ધ છે ત્યારે વડાપ્રધાન  નરેન્દ્ર મોદી આજે સવારે સમગ્ર પરિસ્થિતિનો ચિતાર મેળવવા અમદાવાદ આવી પહોંચ્યા હતા. અને પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્લેનક્રેશ થવાને કારણે ક્ષતિગ્રસ્ત થયેલી મેડિકલ હોસ્ટેલ અને મેસ બિલ્ડિંગનું નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાતમાં વડાપ્રધાન સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી કિંજારાપ્પુ રામ મોહન નાયડુ,  કેન્દ્રીય જળશક્તિ મંત્રી  સીઆર પાટીલ, કેન્દ્રીય રાજ્ય ઉડ્ડયન મંત્રી મુરલીધર મોહોલ, ગુજરાતના નાગરિક ઉડ્ડયન મંત્રી  બલવંતસિંહ રાજપૂત, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, રાજ્યમંત્રી  જગદીશ વિશ્વકર્મા, મુખ્ય સચિવ પંકજ જોશી, ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજકુમાર દાસ, રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય સહિત વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્લેનક્રેશ દુર્ઘટનાસ્થળની મુલાકાત લઈને વડાપ્રધાનશ્રી અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યા સારવાર મેળવી રહેલા ઇજાગ્રસ્ત દર્દીઓની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન શ્રીએ દર્દીઓની સ્વાસ્થ્ય પૃચ્છા કરીને સ્વજનોને આ વિકટ પરિસ્થિતિનો સામનો કરવા હિંમત બંધાવી હતી. આ દુર્ઘટનામાં  ઇજાગ્રસ્ત થયેલા તબીબો અને હેલ્થકેર વર્કર્સની મુલાકાત પણ વડાપ્રધાનએ લીધી હતી. અને ઇજાગ્રસ્તોની સારવાર કરી રહેલા તબીબો  પાસેથી દર્દીઓની હાલની  સ્વાસ્થ્ય પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સ્થળોની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યા પછી અમદાવાદમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ અને વરિષ્ઠ સચિવઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક પણ યોજી હતી.