Gambhira Bridge Collapse: વડોદરા જિલ્લા (Vadodara)ના પાદરા તાલુકાના મુજપૂર પાસે મહી નદી (Mahi river) પર આશરે 20 લોકોને ભરખી જનારી પૂલ તૂટી(Bridge Collapse) પડવાની ઘટના બાદ તેની બાજુમાં નવો બ્રિજ બનાવવાની સરકારે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા 212 કરોડના ખર્ચે 18 મહિનામાં ટેન્ડરિંગ પ્રક્રિયા બાદ તાબડતોબ આ પૂલનું નિર્માણ કરવાની જાહેરાત કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ નવો ટુ લેન પૂલ બનાવવા માટે માર્ગ અને મકાન વિભાગને નવેમ્બર 2024માં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી. પાદરા અને આંકલાવને જોડતો આ નવો પૂલ 18 માસમાં બનાવવા તાબડતોડ ટેન્ડરિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર બનનારા આ નવા પૂલ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાજેતરમાં સર્વે કરી ડિટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. જેને ગત નવેમ્બર મહિનામાં મુખ્યમંત્રી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હતી.
માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઇજનેર એનવી રાઠવાએ જણાવ્યું કે મુજપૂર એપ્રોચ રોડ હાલમાં જે ટુ લેન છે તેને ફોર લેન કરી 7 મીટરનો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. હાઇવેથી પૂલ સુધી પહોંચવાના 4.2 કિલોમિટર માર્ગને ફોર લેન કરવામાં આવશે.
દુર્ઘટનાગ્રસ્ત પૂલની સમાંતર નવો ટુ લેન હાઇલેવલ પૂલ બનાવવામાં આવશે. આ બન્ને કામ માટે મુખ્યમંત્રીશ્રી દ્વારા રૂપિયા 212 કરોડની વહીવટી મંજૂરી પ્રદાન કરવામાં આવી છે. પૂલ બનાવવાની કામગીરી 18 મહિનામાં પૂર્ણ કરવામાં આવશે. તેની ટેન્ડરિંગ પ્રક્રીયા પણ આરંભી દેવામાં આવી છે.