મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત સૌથી વધુ જોખમનું કામ કરતા શ્રમિકો માટે, તેમના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તેમના પરિવારજનોને મદદરૂપ થવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વર્ષ 2008માં ‘અંત્યેષ્ટિ સહાય યોજના’ શરૂ કરી હતી. આ યોજના હેઠળ લાભાર્થી પરિવારોને રૂપિયા 2000 ની આર્થિક સહાય આપવામાં આવતી હતી. આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આ સંવેદનશીલ યોજના હેઠળની આર્થિક સહાય વધારીને રૂપિયા 10,000 કરી દેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, અંત્યેષ્ટિ સહાય યોજના એક એવી યોજના છે કે જે સૌથી વધુ જોખમી મજૂરી કરતા બાંધકામ શ્રમયોગીઓની સહાય કરે છે. આ યોજનાનો ઉદ્દેશ મકાન અને અન્ય બાંધકામ શ્રમિકનું અચાનક મૃત્યુ થાય ત્યારે તેમના પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ થવાનો છે. બાંધકામ શ્રમિકનું અચાનક મૃત્યુ થવા પર તેમના પરિવારજનોને આ યોજના હેઠળ રૂપિયા 10,000ની સહાય આપવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 10 વર્ષોમાં 1307 શ્રમિક પરિવારોને રૂપિયા 86.86 લાખની સહાય ચૂકવવામાં આવી છે.
શ્રમિકોના ‘અંત સમયે’ પણ પડખે રહે છે રાજ્ય સરકાર
અંત્યેષ્ટિ સહાય યોજનાના નામ પરથી સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર લાખો બાંધકામ શ્રમિકોની પડખે ‘અંત સમયે’ પણ ઊભી રહે છે. અંત્યેષ્ટિ સહાય યોજના હેઠળ રાજ્ય સરકાર મકાન અને અન્ય બાંધકામ ક્ષેત્રે કાર્યરત કોઈ પણ શ્રમયોગીના મૃત્યુના કિસ્સામાં તેના પરિવારજનોને ₹10 હજારની સહાય આપે છે.
આ યોજનાનું સંચાલન ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા થાય છે. રાજ્ય સરકારના ઈ-નિર્માણ પોર્ટલ પર નોંધાયેલા શ્રમિકોમાંથી 12 લાખ 42 હજાર 24થી વધુ શ્રમિકો ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ સાથે જોડાયેલા છે. બોર્ડમાં નોંધાયેલા આ શ્રમિકો માટે અંત્યેષ્ટિ સહાય યોજના ઉપયોગી બની રહી છે.
છેલ્લા 10 વર્ષમાં 1307 શ્રમયોગી પરિવારોને ચૂકવવામાં આવી રૂપિયા 86.86 લાખની સહાય
બોર્ડમાં તેમજ ઈ-નિર્માણ પોર્ટલમાં નોંધાયેલા 18થી 60 વર્ષની વયજૂથના કોઈપણ બાંધકામ શ્રમિકનું ચાલુ મેમ્બરશીપ દરમ્યાન મૃત્યુ થાય, ત્યારે મૃતકના પરિજનોને આ યોજના હેઠળ રૂપિયા 10 હજારની સહાય ચુકવવામાં આવે છે. શ્રમિકના મૃત્યુ પછી છ માસની અંદર તેના વારસદારે sanman.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહે છે. બોર્ડ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ વર્ષ 2015-16થી 2024-25 સુધી એટલે કે છેલ્લા 10 વર્ષમાં મૃતક શ્રમયોગીઓના પરિવારજનોને રૂપિયા 86.86 લાખની સહાય ચૂકવવામાં આવી છે.