અમદાવાદથી લંડન જતાં એર ઇન્ડિયાના વિમાનની સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં રાજ્ય સરકારે બચાવ અને રાહત કામગીરી સાથે ઘાયલોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ દુર્ઘટનાની જાણ થતાં જ તેમણે સમગ્ર તંત્રને બચાવ-રાહત કામગીરી માટે જોડાવાની તત્કાલ સૂચનાઓ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી તથા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આ દુર્ઘટનાની ગંભીરતા જોતા રાજ્ય સરકારને કેન્દ્રીય એજન્સીઓની મદદ પૂરી પાડી હતી. એટલું જ નહિ, વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય ગૃહમંત્રીએ દુર્ઘટના સ્થળની તથા ઇજાગ્રસ્તોની મુલાકાત પણ અમદાવાદ આવીને લીધી હતી અને રાજ્ય સરકારને બચાવ-રાહત કામગીરી માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
વિમાન દુર્ઘટનાના સ્થળે આર્મીના 250થી વધુ જવાનો, રેપિડ એક્શન ફોર્સની 1 ટીમ, એનડીઆરએફ- એસડીઆરએફની 3 ટીમે બચાવ-રાહત કામગીરી માટે મોરચો સંભાળ્યો હતો.
માત્ર 3 મિનિટના રિસ્પોન્સ ટાઈમમાં ફાયર સર્વિસીસની બે ટીમોએ ઘટના સ્થળે પહોંચીને 30થી વધુ વ્યક્તિઓનું રેસ્ક્યૂ કર્યું હતું. 139 પ્રકારના વિવિધ ફાયરના સાધનો સાથે ફાયર સર્વિસીસના 612 કર્મચારીઓએ વિમાનના કાટમાળમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા તથા આસપાસના વિસ્તારના ઘાયલ થયેલા લોકોને સારવાર માટે પહોંચાડવામાં મદદરૂપ થયા હતા. ઘટના સ્થળે મૃતદેહો અને માનવ અંગોને શોધવા માટે પોલીસતંત્રએ ખાસ ડોગ સ્ક્વોડ પણ કામગીરીમાં જોડ્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઇજાગ્રસ્તોને તત્કાલ સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ સુધી પહોંચાડવા ગ્રીન કોરિડર ઊભો કરાવ્યો હતો અને 100થી વધુ એમ્બ્યુલન્સની સેવાઓ લેવામાં આવી હતી.
ઈજાગ્રસ્તોની સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો અને પેરામેડિકલ ટીમ ખડે પગે રહ્યા હતા અને ઈજાગ્રસ્તોની સારવાર સુશ્રૂષા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના સીધા માર્ગદર્શનમાં શરૂ કરી હતી.
રાજ્ય સરકારે આ દુર્ઘટનાને અત્યંત સંવેદનશીલતા અને ગંભીરતા જોતા અસરગ્રસ્તો-ઇજાગ્રસ્તોના સગાં-સંબંધીઓને સિવિલ હોસ્પિટલમાં માર્ગદર્શન માટે 4 આઈએએસ અધિકારીઓને જવાબદારી સોંપી છે. SEOC ખાતે 16 નાયબ કલેક્ટરો અને 16 મામલતદાર સહિત મહેસૂલી તંત્રની ટીમ કાર્યરત કરવામાં આવી છે.
આ ઉપરાંત, પ્લેનના મુસાફરોના સગાં-સંબંધીઓને યોગ્ય જાણકારી અને મદદ માટે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તેમજ સિવિલ હોસ્પિટલ ખાતે રાઉન્ડ ધ ક્લોક 24X7 કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવેલા છે. આ દુર્ઘટનાનો ભોગ બનેલા મુસાફરોના સ્વજનો માટે અમદાવાદમાં રહેઠાણ અને વાહન સુવિધા પણ રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.