Axis Mutual Fund Scam:એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ રવિવારે જણાવ્યું હતું કે એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના ભૂતપૂર્વ ટ્રેડિંગ ચીફ અને ફંડ મેનેજર વિરેશ જોશીની ટ્રેડિંગ પ્રવૃત્તિઓમાં ‘ફ્રન્ટ-રનિંગ’ દ્વારા રોકાણકારો પાસેથી રૂપિયા 200 કરોડની કથિત છેતરપિંડી સંબંધિત કેસમાં ધરપકડ કરવામાં આવી છે.
8 ઓગસ્ટ સુધી ED કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
સમાચાર એજન્સી PTI અનુસાર, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ કહ્યું છે કે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની એક વિશેષ અદાલતે જોશીને 8 ઓગસ્ટ,2025 સુધી ED કસ્ટડીમાં મોકલ્યો છે.
શેરબજારમાં ફ્રન્ટ-રનિંગ એક અનૈતિક અને ગેરકાયદેસર પ્રથા છે
ફ્રન્ટ-રનિંગ એ શેરબજારમાં એક અનૈતિક અને ગેરકાયદેસર પ્રથા છે જેમાં બ્રોકર્સ અથવા વેપારીઓ પેન્ડિંગ ક્લાયન્ટ ઓર્ડરની અગાઉથી માહિતીનો ઉપયોગ કરીને પોતાના ફાયદા માટે ઓર્ડર આપે છે. આનાથી રોકાણકારોને નુકસાન થાય છે.
ED એ અગાઉ અનેક સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું
ફેડરલ તપાસ એજન્સીએ આ કેસમાં 1 ઓગસ્ટ, 2025 ના રોજ દિલ્હી, મુંબઈ, ગુરુગ્રામ, લુધિયાણા, અમદાવાદ, ભાવનગર, ભૂજ અને કોલકાતામાં અનેક સ્થળોએ દરોડા પાડવાનું શરૂ કર્યું હતું. ED ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ની નાગરિક જોગવાઈઓ હેઠળ કેસની તપાસ કરી રહી છે.
આવકવેરા વિભાગે 2022માં આ કેસમાં દરોડા પાડ્યા હતા. ED એ કહ્યું છે કે,આ સર્ચ ઓપરેશન 2018 થી 2021 દરમિયાન એક્સિસ મ્યુચ્યુઅલ ફંડ દ્વારા ટ્રેડ કરાયેલા શેરમાં ફ્રન્ટ-રનિંગ ટ્રેડિંગ પ્રવૃત્તિઓમાં સામેલ થઈને ચોક્કસ સંસ્થાઓ/વ્યક્તિઓ દ્વારા કમાયેલા ગેરકાયદેસર નફાની ચાલુ તપાસનો એક ભાગ હતો.