Drug Prices Reduced: દેશભરમાં હૃદય, ડાયાબિટીસ, માનસિક બીમારી અને ચેપ જેવા લાંબા સમયથી ચાલતી બીમારીની સારવાર માટે વપરાતી દવાઓના ભાવમાં મોટો ઘટાડો થયો છે.
સરકારે 35 મુખ્ય દવાઓના ભાવ ઘટાડ્યા છે, જેનાથી દર્દીઓને સીધી રાહત મળશે. રસાયણો અને ખાતર મંત્રાલયે રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કિંમત નિર્ધારણ સત્તામંડળ (NPPA) ની ભલામણ પર આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
કિંમતોમાં ઘટાડાને કારણે દર્દીઓનો ખર્ચ ઘટશે
NPPAનો આ નિર્ણય ખાસ કરીને એવા દર્દીઓ માટે ફાયદાકારક રહેશે જેઓ ક્રોનિક રોગો એટલે કે ગંભીર બીમારીથી પીડાઈ રહ્યા છે. હૃદય રોગ, ડાયાબિટીસ, માનસિક બીમારી અને ચેપ જેવા રોગોની સારવાર માટે વપરાતી દવાઓના ભાવ હવે પહેલા કરતા સસ્તા થશે, તેના કારણે દર્દીઓને તેમની સારવાર પર ઓછો ખર્ચ કરવો પડશે. તેનાથી દર્દીઓનો ખર્ચ તો ઘટશે જ તે ઉપરાંત દવાઓની ઉપલબ્ધતા પણ સરળ બનશે.
કઈ દવાઓ સસ્તી થઈ?
સરકારે કેટલીક મુખ્ય દવાઓના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે, જેમાં એસક્લોફેનાક અને પેરાસીટામોલ (પેઇનકિલર તરીકે ઉપયોગમાં લેવાતી દવા), ટ્રિપ્સિન કાયમોટ્રીપ્સિન (પ્રોટીન એન્ઝાઇમ), એમોક્સિસિલિન અને પોટેશિયમ ક્લેવ્યુલેનેટ (એન્ટિબાયોટિક), એટોર્વાસ્ટેટિન અને ક્લોપીડોગ્રેલ (હૃદયના દર્દીઓ માટે) અને એમ્પાગ્લિફ્લોઝિન, સીટાગ્લિપ્ટિન અને મેટફોર્મિન (ડાયાબિટીસના દર્દીઓ માટે)નું ફિક્સ્ડ ડોઝ મિશ્રણનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત બાળરોગ માટે વપરાતી સેફિક્સાઇમ અને પેરાસીટામોલનું મિશ્રણ, વિટામિન ડી સપ્લિમેન્ટ કોલેકેલ્સીફેરોલ ટીપાં અને ડાયક્લોફેનાક ઇન્જેક્શન જેવી મહત્વપૂર્ણ દવાઓના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. આ દવાઓના ભાવમાં પહેલાની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, જે લાંબા સમયથી રોગોથી પીડાતા દર્દીઓને સારવારમાં રાહત આપશે.