Home Gujarat ગુજરાતની કેરીઓએ વિદેશમાં મચાવી ધૂમ; 856 લાખ ટનની નિકાસ કરવામાં આવી

ગુજરાતની કેરીઓએ વિદેશમાં મચાવી ધૂમ; 856 લાખ ટનની નિકાસ કરવામાં આવી

Gujarat Mangoes: ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને તેની અનોખી સુગંધ અને સ્વાદ માટે જાણીતી કેસર કેરી માત્ર સ્થાનિક બજારો જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ધૂમ મચાવી રહી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતે કેરીની નિકાસમાં નવા કીર્તિમાનો સ્થાપિત કર્યા છે, જે રાજ્ય સરકારના દૂરંદેશી પ્રયાસોનું પરિણામ છે.

ગુજરાતના કેરી ઉત્પાદક ખેડૂતો દ્વારા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી વર્ષ 2024-25 દરમિયાન કુલ 856 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરવામાં આવી છે. એટલું જ નહીં, વર્ષ 2019 થી 2024-25 સુધીના ગત પાંચ વર્ષના ગાળામાં રાજ્યમાંથી કુલ 3000 મેટ્રિક ટનથી વધુ કેરીની અમેરિકા અને દક્ષિણ આફ્રિકા સહિતના વિવિધ દેશોમાં નિકાસ કરવામાં આવી છે. જેના પરથી અંદાજ લગાવી શકાય કે, ગુજરાતની કેરીની વૈશ્વિક સ્તરે બોલબાલા અને માંગ સતત વધી રહી છે.

કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ગુજરાતની કેસર કેરીની લોકચાહના સતત વધી રહી છે. કેરીની વૈશ્વિક માંગને પહોંચી વળવા ગુજરાતમાં કેરી-આંબાની ખેતીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોત્સાહન આપવામાં આવી રહ્યા છે.

જેના પરિણામ સ્વરૂપે આજે ગુજરાતમાં બાગાયતી ફળ-ફૂલ પાકના કુલ 4.71 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી 1.77 લાખ હેક્ટરથી વધુ વિસ્તાર એટલે કે 37 ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી કરવામાં આવી રહી છે. રાજ્યમાં અનુકૂળ આબોહવા અને જમીનની વિવિધતાના પરિણામે કેસર કેરી ઉપરાંત હાફુસ, રાજાપુરી, તોતાપુરી અને સોનપરી જેવી વિવિધ કેરીની જાતો ઉગાડવામાં આવે છે.

ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે. વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ગુજરાતના વલસાડ જિલ્લામાં સૌથી વધુ 38000 હેક્ટર, નવસારી જિલ્લામાં 34800 હેક્ટર, ગીર સોમનાથ જિલ્લામાં 18400 હેક્ટર, કચ્છ જિલ્લામાં 12000 હેક્ટર તેમજ સુરત જિલ્લામાં 10200 હેક્ટરથી વધુ વિસ્તારમાં કેરીનું વાવેતર કરવામાં આવ્યું હતું.