Fire In Indonesian Ferry:રવિવારે ઇન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ(Indonesia’s Sulawesi island) પર સેંકડો લોકોને લઈ જતી એક પેસેન્જર ફેરીમાં આગ લાગી હતી, જેમાં એક ગર્ભવતી મહિલા સહિત ઓછામાં ઓછા 5 લોકોના મોત થયા હતા, તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. અત્યાર સુધીમાં 280 થી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
ઇન્ડોનેશિયન ફ્લીટ કમાન્ડના વાઇસ એડમિરલ ડેનિહ હેન્દ્રાતાએ જણાવ્યું હતું કે KM બાર્સેલોના 5 ઉત્તર સુલાવેસી પ્રાંતના તલાઉદ જિલ્લાથી પ્રાંતીય રાજધાની માનાડો તરફ જઈ રહ્યું હતું ત્યારે તાલિસે નજીક આગ લાગી હતી.
નૌકાદળના જણાવ્યા અનુસાર બચાવ માટે ત્રણ જહાજો મોકલવામાં આવ્યા હતા જ્યારે સ્થાનિક માછીમારોએ પણ બચી ગયેલા લોકોને નજીકના ટાપુઓ પર લાવવામાં મદદ કરી હતી. ઘણા બચી ગયેલા લોકો લાઇફ જેકેટ સાથે દરિયામાં તરતા જોવા મળ્યા હતા.