Home Sports & Health ગ્રીન કાર્ડ મળ્યું, રેસ્ટોરન્ટ બિઝનેસમાં સંઘર્ષ કર્યો, અને પછી આ ગુજરાતી બની...

ગ્રીન કાર્ડ મળ્યું, રેસ્ટોરન્ટ બિઝનેસમાં સંઘર્ષ કર્યો, અને પછી આ ગુજરાતી બની ગયો અમેરિકાની ક્રિકેટ ટીમનો કેપ્ટન

USA Cricket Team Captain, Monank Patel: ભારતમાંથી વિદેશ જઈને સ્થાઈ થયેલા ભારતીયો એટલે કે NRIની સમૃદ્ધ અને સુખાકારી પાછળ ખૂબ જ સંઘર્ષની કહાની છે. સફળતા તૈયાર હોતી નથી! પણ તેના માટે સતત ઈમાનદારી,ધૌર્ય અને નિષ્ઠાથી કઠોર પરિશ્રમ કરવો પડે છે. આજે દેશ-વિદેશમાં ઉદ્યોગ, કારોબાર કે વ્યવસાયમાં ગુજરાત-ભારતનું નામ રોશન કરનાર લગભગ સૌ કોઈ આ તબક્કામાંથી પસાર થયેલા હોય છે, જે તેમની આવનારી પેઢી માટે એક પ્રેરણારૂપ કે પ્રેરણાસ્રોત છે.

આજે આપણે આવી જ એક વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ કે જે ગુજરાતના આણંદમાં જન્મેલ અને અમેરિકામાં સતત પરિશ્રમ અને જાતમહેનતથી અમેરિકાની ક્રિકેટમાં ખૂબ લોકપ્રિયતા મેળવી છે અને તેનું નામ છે મોનાંક પટેલ.

ક્રિકેટર મોનાંક પટેલ
1 મે 1993ના રોજ આણંદ (ગુજરાત)માં જન્મેલા મોનાંક પટેલ બાળપણથી જ ક્રિકેટર બનવા માંગતા હતા. મોનાંકનું સ્વપ્ન એક દિવસ ભારત માટે રમવાનું હતું.

વિકેટકીપર-બેટ્સમેન મોનાંકે પોતાના સ્વપ્નને સાકાર કરવા ગુજરાતની અંડર-16 અને અંડર-18 ટીમો માટે ક્રિકેટ રમી હતી. આ સમય દરમિયાન જસપ્રીત બુમરાહ અને અક્ષર પટેલ પણ તેના સાથી ખેલાડીઓ હતા. 13 વર્ષની ઉંમરે મોનાંક અંડર-15 ટુર્નામેન્ટમાં આણંદ જિલ્લા ક્રિકેટ ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. તેણે સુરત અને ભરૂચ સામે અનુક્રમે 144 અને શાનદાર 166 રન બનાવ્યા.

વર્ષ 2010માં US ગ્રીન કાર્ડ મળ્યું
મોનાંક પટેલને વર્ષ 2010માં યુએસ ગ્રીન કાર્ડ મળ્યું હતું. ભારતમાં અંડર-19 સ્તરે કોઈ છાપ છોડવામાં નિષ્ફળ ગયા બાદ મોનક પટેલ 2016માં કાયમી ધોરણે US રહેવા ગયો.

વર્ષ 2016માં તેણે રેસ્ટોરન્ટ વ્યવસાયમાં હાથ અજમાવવાનું નક્કી કર્યું. તેણે અમેરિકામાં ‘ટેરિયાકી મેડનેસ’ નામનું ચાઇનીઝ રેસ્ટોરન્ટ ખોલ્યું હતું. લગભગ બે વર્ષ સુધી તેણે રેસ્ટોરન્ટમાં દરરોજ લગભગ 10-12 કલાક કામ કર્યું. રેસ્ટોરન્ટમાં વેચાણ ઓછું હતું. આ સ્થિતિમાં મોનાંકને મેનેજર બનવાની સાથે રસોઈયા તરીકે પણ કામ કરવું પડ્યું.

એક તરફ વ્યવસાયમાં કોઈ ખાસ નફો થયો નહીં અને બીજી તરફ મોનાંકને બીજો આંચકો લાગ્યો. તેને ખબર પડી કે તેની માતા કેન્સરથી પીડાઈ રહી છે. આ સ્થિતિમાં આખરે રેસ્ટોરન્ટ વ્યવસાય વેચવાનો નિર્ણય લેવો પડ્યો. મોનાંકના બેંક ખાતામાં ફક્ત 3,000 ડોલર બાકી હતા. તેને તેની બીમાર માતા સાથે રહેવા માટે ન્યુ જર્સી પાછા ફરવાનું નક્કી કર્યું.

US ટીમ માટે દરવાજા ખુલી ગયા…
મોનાંકની બેટિંગનો વીડિયો જોઈને ભૂતપૂર્વ US કોચ પુબુડુ દાસાનાયકે પ્રભાવિત થયા. તેણે તરત જ મોનાંકને કેટલીક મેચ રમવા માટે બોલાવ્યો. મોનાંક પ્રતિભાએ પાછળથી તેના માટે યુ.એસ. ટીમમાં પ્રવેશનો માર્ગ ખોલ્યો.

વર્ષ 2019 માં, મોનક પટેલને અમેરિકા માટે રમવાની તક મળી અને વર્ષ 2021માં તેને અમેરિકન પુરુષ ક્રિકેટ ટીમની કમાન સોંપવામાં આવી. 13 સપ્ટેમ્બર 2021ના રોજ, મોનાંકે નેપાળ સામે સદી ફટકારીને પ્રભાવ પાડ્યો. મોનાંક જૂન 2022માં તેની બીજી ODI સદી ફટકારી હતી. આ પછી ઓગસ્ટ 2024માં તેણે 121 રનની અણનમ ઇનિંગ્સ રમી.