Photo credit: વિમાને ઉડ્ડાન ભરી ત્યા સુધી કોઈ જ પ્રકારની સમસ્યા ન હતી
- રેકોર્ડિંગ્સના આધારે અકસ્માત સંબંધિત ઘટનાની ટાઈમલાઈન બહાર આવી છે
- વિમાને બપોરે 1:13 વાગ્યે તેની ઉડાન પ્રક્રિયા શરૂ કરી હતી
Ahmedabad Plane Crash Last Moments: AAIBએ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે એર ઈન્ડિયા(Air India)નું લગભગ 12 વર્ષ જૂનું બોઈંગ 787-8 એરક્રાફ્ટ VT-ANB 12 જૂનના રોજ ટેકઓફ કર્યાના થોડા સમય પછી અમદાવાદની બીજે મેડિકલ કોલેજની હોસ્ટેલ પર ક્રેશ થયું હતું.
આ ફ્લાઈટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. આ વિમાનમાં કુલ 242 લોકો સવાર હતા, જેમાં 12 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. આ ભયાનક અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી શક્યો. આ અકસ્માતમાં મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ ઉપરાંત જમીન પર રહેલા અનેક લોકો પણ માર્યા ગયા હતા. આ અકસ્માતમાં કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
વિમાન દુર્ઘટનાની સમયરેખા (ISTમાં સમય છે):
અમદાવાદમાં થયેલા આ વિમાન દુર્ઘટના પછી એર ટ્રાફિક કંટ્રોલ (ATC)ના રેકોર્ડિંગ્સ સાચવવામાં આવ્યા હતા. આ રેકોર્ડિંગ્સના આધારે અકસ્માત સંબંધિત ઘટનાની ટાઈમલાઈન બહાર આવી છે. આ ટાઈમલાઈન અકસ્માત પહેલા શું બન્યું તે દર્શાવે છે. ચાલો આ ઘટનાને વિગતવાર રીતે સમજવાનો પ્રયત્ન કરીએઃ
01:13:00 વાગે: વિમાને પુશબેક અને સ્ટાર્ટઅપ માટે પરવાનગી માંગી.
01:13:13 વાગે: ATC દ્વારા પુશબેકને મંજૂરી આપવામાં આવી.
01:16:59 વાગે: ATCએ વિમાન સ્ટાર્ટઅપ કરવાની પરવાનગી આપી.
01:19:12 વાગે: ATC દ્વારા પૂછવામાં આવ્યું કે શું વિમાનને રનવે 23ની સંપૂર્ણ લંબાઈની જરૂર છે. વિમાને પુષ્ટિ આપી કે તેને રનવેની સંપૂર્ણ લંબાઈની જરૂર છે.
01:25:15 વાગે:વિમાને ટેક્સી (રનવે પર જવા) માટે પરવાનગી માંગી, જે ATC દ્વારા મંજૂર કરવામાં આવી.
01:32:03 વાગે: વિમાનને ગ્રાઉન્ડ કંટ્રોલથી ટાવર કંટ્રોલને સોંપવામાં આવ્યું હતું.
01:33:45 વાગે: ટાવરે વિમાનને રનવે 23 પર લાઇન અપ કરવા સૂચના આપી.
01:37:33 વાગે: વિમાનને રનવે 23 પરથી ટેક-ઓફ માટે મંજૂરી આપવામાં આવી હતી. તે સમયે પવનની દિશા 240 ડિગ્રી હતી અને ગતિ 6 નોટ્સ હતી.
01:39:05 વાગે: વિમાન (AI171)એ મેડે કોલ મોકલ્યો, જે દુર્ઘટનાનો સંકેત હતો
.
આ ટાઈમ લાઈન શું બતાવે છે?
આ સમયરેખા દર્શાવે છે કે વિમાને બપોરે 1:13 વાગ્યે તેની ઉડાન પ્રક્રિયા શરૂ કરી હતી. બધું સામાન્ય રીતે ચાલી રહ્યું હતું. પુશબેક, સ્ટાર્ટઅપ, ટેક્સી અને ટેક-ઓફ ક્લિયરન્સ દરમિયાન કોઈ સમસ્યા ન હતી. પરંતુ ઉડાન ભર્યા પછી તરત જ વિમાને ‘મેડે’કોલ કર્યો જે દર્શાવે છે કે અચાનક કોઈ ગંભીર સમસ્યા ઊભી થઈ છે.