Home Gujarat વડોદરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 13 થયો, PM મોદીએ ઘટના અંગે દુખ વ્યક્ત...

વડોદરા બ્રિજ દુર્ઘટનામાં મૃત્યુઆંક 13 થયો, PM મોદીએ ઘટના અંગે દુખ વ્યક્ત કરી સહાયની જાહેરાત કરી

Vadodara Padra Bridge Collapses:વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલા મુજપુર અને ગંભીરા ગામને જોડતો ગંભીરા પુલનો એક મોટો ભાગ સવારના સમયે તૂટી પડ્યાની (Bridge Collapse) ઘટનામાં મૃતકોની સંખ્યા વધીને 13 થઈ છે. આ ઘટનામાં 7 વાહનો નદીમાં પડ્યા હતા.

મહીસાગર નદી (Mahisagar River) પર બનેલો આ પુલ આશરે 45 વર્ષ જૂનો હતો અને પુલ તૂટી પડતા તેના પરથી પસાર થઈ રહેલ બે ટ્રક, એક બોલેરો તથા એક જીપ સહિતના વાહનો નદીમાં ખાબક્યાં હતા. જ્યારે એક ટેન્કર આ પુલ પર લટકેલી અવસ્થામાં હતું.

આ ઘટનામાં 13 વ્યક્તિના મોત થયા છે ત્યારે 5 વ્યક્તિને ઈજા પહોંચી છે. આ ઘટનાની જાણ થતા આજુબાજુના ગામના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કાર્યમાં જોડાઈ ગયા હતા. દરમિયાન બચાવ કાર્યમાં 8 લોકોના જીવ બચાવવામાં આવ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું
દરમિયાન આ ઘટનાને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે જે લોકોએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે તેમના પ્રત્યે મારી સંવેદના છે. પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રિલીફ ફંડમાંથી દરેક મૃતકના પરિવારજનોને રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવશે, જ્યારે ઈજાગ્રસ્તોને રૂપિયા 50 હજાર આપવામાં આવશે.

બેદરકારીનો આરોપ
આ ઘટનાને લઈ સ્થાનિક લોકોએ વહિવટી તંત્ર પ્રત્યે બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે આ પુલની મરામતની કામગીરી માટે વારંવાર રજૂઆત કરવામા આવી હતી, પણ તેમની વાત પ્રત્યે ધ્યાન આપવામાં આવ્યું ન હતું. વડોદરા અને આણંદ વચ્ચેનો આ પુલ છેલ્લા કેટલાક વર્ષોથી જર્જરીત અવસ્થામાં હતો અને તે ભારે વાહનો માટા સક્ષમ ન હતો.