ચાલુ વર્ષે આગામી દિવસોમાં ચોમાસાનું ગુજરાતમાં આગમન થવા જઇ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 44.18 ટકા જળ સંગ્રહ છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહશક્તિના 53.07 ટકા પાણી ઉપલબ્ધ છે. જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરવામાં આવશે. ગત વર્ષે આ સમયે એટલે કે, તા. 10 જૂન-2024ની સ્થિતિએ રાજ્યના 207 જળાશયોમાં 40.81 ટકા જળ સંગ્રહ હતો તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વધુમાં મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં સૌથી વધુ 44.08 ટકા જળ સંગ્રહ, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 43.25 ટકા જળ સંગ્રહ, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 29.38 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 28.10 ટકા અને કચ્છના 20 જળાશયોમાં 27.57 ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે.