Home Business ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ભારતમાંથી ચા નિકાસ પર સંકટ, પરંપરાગત ચા કારોબારને લાગ્યો...

ઈરાન-ઈઝરાયલ તણાવ વચ્ચે ભારતમાંથી ચા નિકાસ પર સંકટ, પરંપરાગત ચા કારોબારને લાગ્યો ઝાટકો

પશ્ચિમ એશિયાઈ બજારો ખાસ કરીને ઈરાન અને ઇરાકમાંથી મજબૂત માંગને કારણે ભારતીય ઓર્થોડોક્સ ચાના ભાવમાં વધારો થયો છે. પરંતુ હવે ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષને કારણે તણાવ વધવાનો ભય છે, જેના કારણે આ પ્રદેશમાં ચાના પુરવઠામાં વિક્ષેપ પડી શકે છે.

ઇન્ડિયન ટી એક્સપોર્ટર્સ એસોસિએશન (ITEA)ના પ્રમુખ અંશુમાન કનોડિયાએ જણાવ્યું હતું કે ચા વહન કરતા કાર્ગો પહેલાથી જ રવાના થઈ ગયા છે, જ્યારે કેટલાક હજુ પણ લોડિંગની રાહ જોઈ રહ્યા છે. તેથી હાલના અને ભવિષ્યના ઓર્ડર અંગે ચિંતા છે. તેમણે કહ્યું કે અમે સંઘર્ષની પરિસ્થિતિ તેમજ અમારી નિકાસ વિશે ચિંતિત છીએ. એસોસિએશનના સભ્યો તેમના સંબંધિત ખરીદદારો સાથે સંપર્કમાં છે. આ સમયે અમે પરિસ્થિતિનો અંદાજ કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.

ચાના વ્યવસાયમાં કામચલાઉ ઘટાડો થવાનો ભય ઉત્પાદકો અને નિકાસકારો બંનેને છે. ઇન્ડિયન ટી એસોસિએશન (ITA)ના પ્રમુખ હેમંત બાંગરે જણાવ્યું હતું કે ઈરાન ભારતીય ચા માટે સૌથી મોટા બજારોમાંનું એક છે. ‘સંઘર્ષ હમણાં જ શરૂ થયો છે, પરંતુ વ્યવસાયમાં કામચલાઉ વિક્ષેપ આવી શકે છે.

ટી એસોસિએશન ઓફ ઈન્ડિયા (TAI)ના પ્રમુખ સંદીપ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે જ્યાં સુધી તણાવ ઓછો ન થાય ત્યાં સુધી પરિસ્થિતિ એવી જ રહેશે. પરંપરાગત ચાની નિકાસ ઈરાનથી આવતી માંગ પર આધાર રાખે છે. જો માંગ ઘટશે, તો ખાસ કરીને ઓર્થોડોક્સ ચાની નિકાસને ફટકો પડશે. અમે પરિસ્થિતિ શાંત થવાની રાહ જોઈ રહ્યા છીએ.