શુભમન ગિલની કેપ્ટનશીપ હેઠળ, ભારતીય ક્રિકેટ ટીમ 20 જૂનથી શરૂ થનારા ઇંગ્લેન્ડ પ્રવાસ પર 5 મેચની ટેસ્ટ શ્રેણી રમશે. પ્રથમ ટેસ્ટ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. સિનિયર ટીમની સાથે, ભારતની અંડર-19 ટીમ પણ ઇંગ્લેન્ડના પ્રવાસે છે, જેનું નેતૃત્વ આયુષ મ્હાત્રે કરી રહ્યા છે. આ ટીમમાં ૧૪ વર્ષીય વૈભવ સૂર્યવંશીનો પણ સમાવેશ થાય છે, જેણે IPL 2025માં શાનદાર બેટિંગ કરી હતી.
આયુષ મ્હાત્રેના નેતૃત્વ હેઠળની ભારત-19 ટીમ 24 જૂનથી 23 જુલાઈ દરમિયાન 50 ઓવરની વોર્મ-અપ મેચ, 5 યુવા વનડે અને 2 મલ્ટી-ડે મેચ રમશે. પરંતુ આ પ્રવાસ પહેલા, 2 ખેલાડીઓ માટે ખરાબ સમાચાર છે, તેઓ ઈજાને કારણે બહાર થઈ ગયા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બંને ખેલાડીઓના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી છે.
કોણ આઉટ થયું, કોને તક મળી
ઈંગ્લેન્ડ પ્રવાસ પહેલા ઈજાના કારણે આદિત્ય રાણા અને ખિલન પટેલને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. બીસીસીઆઈની જુનિયર ક્રિકેટ સમિતિએ તેમના સ્થાને દીપેશ અને નમન પુષ્પકનો સમાવેશ કર્યો છે. આ બંને ખેલાડીઓને આ પ્રવાસ માટે સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા હતા.
બીસીસીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે આદિત્યને કમરના નીચેના ભાગમાં ઈજા અને સ્ટ્રેસ ફ્રેક્ચર થયું છે. બેંગલુરુના સેન્ટર ઓફ એક્સેલન્સ ખાતે કેમ્પ દરમિયાન ખિલન પટેલને જમણા પગમાં ઈજા થઈ હતી.